Monday, September 12, 2022

સર્જક પરિચય : કવિ દાદ

કવિ 'દાદ'



        કવિતાનો એક સીધો સાદો અને સર્વસામાન્ય નિયમ છે શબ્દોના પ્રાસનું જોડાવું તે. જેમ કવિતાની પ્રથમપંક્તિના કોઈ ચોક્કસ શબ્દનું અનુસંધાન બીજી પંક્તિમાં પ્રાસરૂપે જોડાઈને સંપૂર્ણત: કાવ્ય ભાવ પ્રગટ કરે છે એમ ગુજરાતી લોક સાહિત્યના ગૌરવપ્રદ ઈતિહાસમાં પણ 'કવિ 'કાગ' અને એ પછી કવિ 'દાદ' ! નો પ્રાસ પણ અદભુત રીતે જોડાયેલો છે અને લોક હ્રદયમાં જડબેસલાક જડાયેલો પણ છે.  
       ઘણીવખત લોકજીભે રમતી ઘણી બળકટ રચનાઓ એટલી બધી લોકભોગ્ય બની જતી હોય છે કે એના રચયિતાની પૂરી જાણકારી ના હોય તો કોઈ મધ્યયુગના ભક્ત કવિની રચનામાં સહજ રીતે ખપી જતી હોય છે. આ લખનારને પણ ભૂતકાળમાં એવી જ કશીક ભૂલ થયેલી- 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું' અમર રચના કવિ 'કાગ'ની છે એવું માનતો રહ્યો હતો. આવો જ એક પ્રસંગ વી.એસ.ગઢવીના એક લેખમાં વાંચવા મળ્યો હતો.
1967ના વર્ષના પવિત્ર શ્રાવણ માસની આ ઘટના સાંઈકવિ મકરંદ દવે એ આલેખી છે. એકવાર સ્વામી આનંદ હરિદ્રારમાં પવિત્ર ગંગા નદીના સાનિધ્યમાં હતા.એ વખતે તેમણે સાંઈ મકરંદને પત્ર લખ્યો. જેમાં કોઈક યાત્રિકબહેન પાસેથી તેમણે એક સુંદર રચના સાંભળેલી.

"'ટોચોમાં ટાંકણું લઈ ભાઈ
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું."

    તેમણે પત્રમાં ઉમેરેલું કે  આ કાવ્ય રચના કે કોઈ ‘‘દાદલ’’ નામના સંતકવિએ કરી હોય તેમ કાવ્ય સાંભળતા લાગેલું. આ રચના ગાનાર પાસે કાવ્યની  ટેકસ્ટ કોઈ માહિતી નહોતી. પછી તેઓ સાંઇ મકરંદને પૂછે છે કે આ કવિ મધ્યયુગના કોઈ સંત કવિ છે કે કેમ? .સાંઈકવિ એ સ્વામી આનંદને પ્રત્યુત્તરમાં જણાવેલું કે  આ દાદલ કોઈ મધ્યયુગના સંતકવિ નહીં.પણ નૂતન યુગના ચારણ કવિ છે. કવિ 'દાદ'-કવિ દાદુદાન પ્રતાપદાન  મિસણ(ગઢવી).કવિ દાદના કૂળમાં ખ્યાતનામ કવિ આણંદ અને કરમાણંદ થઈ ગયા .
   કવિ 'દાદ'નો પરિચય કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય એવો નથી ,તેમની રચનાઓ જ એમ લોકહૃદયમાં વર્ષોથી રાજ કરે છે. અને રાજ કરતી રહેશે.
તેમની અમર રચનાઓ જોઈએ તો

"કાળજા કેરો કટકો...",
*
"ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..."
*
"લક્ષ્મણ ઘડીક ઊભા રહો મારા વીર..."
*
"કૈલાશ કે નિવાસી નમું બારબાર..."
"શબ્દ એક શોધો ને સરિતા નીકળે..."
*
"મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે..."
*
"નમુ મંગલારૂપ મોગલ માડી.. "
* મારા ફળીયા ના વડલાની ડાળે હીંચકો..."

      કવિ 'કાગ' ના પેગડામાં પગ રાખવાની પ્રખર સાહિત્ય શક્તિ ધરાવનાર કવિ દાદ'લોકસાહિત્યને જાળવનાર લોકસાહિત્યની ધરોહર આગળ વધારનાર  ચારણ કવિ છે. 11- 9 -1940ના રોજ વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામે જન્મેલા આ સર્જક ચાર ધોરણ સુધીનું શિક્ષણ લીધું છે.બાર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર આ સર્જકની રચનાઓ અનેક  સુપ્રસિદ્ધ કલાકારો ના કંઠે ગવાયેલા છે સુંદર રચનાઓ રચવા ઉપરાંત ધારદાર રજૂઆત પણ કરી શકે એવી કળા હસ્તગત છે. 

"આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે."

લખનાર આ કવિ પોતાના કાવ્ય સર્જન વિશે વાત કરતાં કહે છે કે એમના કાવ્યસર્જનની પ્રેરણામૂર્તિ  હિરણ નદી છે .સર્જકની અંદરની ખળખળતી સંવેદનાને હિરણ નદીએ કવિએ શબ્દવૈભવ આપ્યો છે. કવિ આ નદીના સૌંદર્યને આ રીતે કવિતામાં ઉતારે છે.

"ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી ,
આવે ઉછળંતી, જરા ન ડરતી, ડગલાં ભરતી, મદઝરતી,કિલકારા કરતી, જાય ગરજતી, જોગ સરકતી ઘરાળુ, હાલત સરકારી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી.*

    તેમના સાહિત્યસર્જનમાં પ્રથમ કાવ્યસંગ્રહ 'ટેરવા' ભાગ 4 સહિત આઠ જેટલા કાવ્યસંગ્રહો આપ્યા છે. 'ચિત્તહર નું ગીત', શ્રીકૃષ્ણ છંદાવલી ,'રામનામ બારાક્ષરી' , લછનાયન' વગેરે પુસ્તકો ગુજરાતી સાહિત્યને મળ્યાં છે. તેમના અલભ્ય પુસ્તકોની  પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા 824 પાનના બે પુસ્તકોમાં કવિ દાદની તમામ રચનાઓનો સમાવેશ કરી અને સુલભ કરાવ્યાં છે.
તેમના ઉમદા સાહિત્યને લોક રદયમાં કાયમનું સ્થાન તો મળ્યું છે. ઉપરાંત આ સર્જકનું જાહેર અભિવાદન મુંબઈમાં1993માં માતુશ્રી બિરલા માતૃ ગૃહમાં પૂજ્ય મોરારી બાપુના અધ્યક્ષસ્થાને થયું ,ગુજરાત સરકાર તરફથી પણ લોક કલાક્ષેત્રનો એવોર્ડ 1998માં આપવામાં આવ્યો હતો .તો પૂજ્ય મોરારિબાપુ પ્રેરીત કવિ શ્રી દુલા કાગ લોક સાહિત્ય એવોર્ડ 2003ના વર્ષમાં ,
ગૌરવ એવોર્ડ ,હેમુ ગઢવી એવોર્ડ અને 'હાલાણી એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ'ના સૌજન્યથી અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા મેઘાવી કવિ શ્રી દાદ' નું 2.25 લાખનો ચેક અને રૂપિયા એક લાખની સોનાની કંઠી અર્પણ કરીને કવિશ્રી ના બહુમૂલ્ય લોકસાહિત્યને નવાજવામાં આવ્યું. તો વર્ષ 2021માં તેમને 'પદ્મશ્રી' પુરસ્કાર એનાયત થયો હતો.

તેમનાં ઘણાં ગીતો ગુજરાતી ફિલ્મોમાં લેવાયા છે, જેમાં 'કાળજા કેરો કટકો' 
ગીત તો આજેય એટલું જ લોકપ્રિય છે. આ ગીત ગુજરાત જ નહીં, ભારત જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ જ્યાં પણ જ્યારે પણ લોક ગાયકના મુખે ગવાય ત્યારે વર્ષો પહેલાં જયારે 'લૂંટાતો લાડ ખજાનો' એવી વહાલસોયી દીકરીને વળાવી હોય એવા મા-બાપની પણ આંખો ભીની થયા વિના ન રહે. લોક હૈયાના ખૂણામાં રહેલા નીજી સંવેદનને ઝીલીને અમર થયેલું આ લોકપ્રિય કાવ્ય અને શ્રેષ્ઠ પાર્શ્વગાયક પુરસ્કાર મળેલો છે. એટલું જ નહીં પણ ગરીબ દીકરીઓ માટેની 'કુંવરબાઈનું મામેરુ' જેવી  સરકારી યોજનાની પ્રેરણા પણ આ ગીતમાંથી મળે છે. આવા અદભૂત ભાવવિશ્વના કવિ દાદની આ રચના

"મારા ફળિયાના વડલાની ડાળે હીંચકો હીરલે  હીરલે ભર્યો...."
  સાંભળતાંવેત અદભુત ભાવવિશ્વ  ખડું થાય છે.
   ગુજરાતી ભાષાના લોકસાહિત્યના સરવાણીને સતત વહેતી રાખનાર શબ્દ અને સૂરને સાધનાર,સરળ હૃદય સાધુભાવ ધારણ કરનાર નખશિખ સર્જક
તા. 26 મી એપ્રિલ 2021ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી.

(લેખન સંકલન અને સ્કેચ: 'શિલ્પી'બુરેઠા .કચ્છ)

No comments:

Post a Comment

if you have any doubts please let me know