Monday, August 12, 2024

ચુનીલાલ કાળીદાસ મડિયાની જન્મ જયંતી

ચુનીલાલ કાળીદાસ મડિયાની જન્મ જયંતી


• ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ 12 ઓગસ્ટ 1922 ના રોજ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો.

• તેઓનું ઉપનામ ગ્રામજીવનના સમર્થ સર્જન અને કુલેન્દુ હતું.
• ઉમાશંકર જોશીના પ્રોત્સાહનના માર્ગદર્શનથી પ્રથમ વાર્તાસંગ્રહ ધૂંઘવતાં પૂર આપ્યો.
• તેમની પ્રથમ નવલકથા પાવક જ્વાળા હતી.
• તેમની નવલકથા લીલુડી ધરતી ૫૨ થી ગુજરાતી ફિલ્મ બની છે.
• જે ગુજરાતી ફિલ્મ જગતની પ્રથમ રંગીન ફિલ્મ હતી.
• તેમનું અવસાન 9 ડિસેમ્બર 1968 ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.


◆ સાહિત્યસર્જન ◆

પાવકજવાળા' (૧૯૪૫), 'વ્યાજનો વારસ' (૧૯૪૬), 'ઈંધણ ઓછાં પડ્યાં' (૧૯૫૧), 'વેળા વેળાની છાંયડી' (૧૯૫૬), 'લીલુડી ધરતી'- ભા. ૧-૨ (૧૯૫૭), 'પ્રીતવછોયાં' (૧૯૬૦) 'શેવાળનાં શતદલ' (૧૯૬૦), 'કુમકુમ અને આશકા' (૧૯૬૨), 'સધરા જેસંગનો સાળો'- ભા. ૧-૨ (૧૯૬૨), 'ગ્રહાષ્ટક વત્તા એક' (૧૯૬૫), 'ઇન્દ્રધનુનો આઠમો રંગ' (૧૯૬૭), 'ધધરાના સાળાનો સાળો' (૧૯૬૮), 'આલા ધાધલનું ઝીંઝાવદર' (૧૯૬૮) વગેરે એમની નવલકથાઓ છે. પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે. પ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું મહત્ત્વ છે.

નવલિકા

'ઘૂઘવતાં પૂર' (૧૯૪૫), 'શરણાઈના સૂર' (૧૯૪૫), 'ગામડું બોલે છે' (૧૯૪૫) 'પદ્મજા' (૧૯૪૭), 'ચંપો અને કેળ' (૧૯૫૦), 'તેજ અને તિમિર' (૧૯૫૨), 'રૂપ-અરૂપ' (૧૯૫૩), 'અંતઃસ્ત્રોતા' (૧૯૫૬), 'જેકબ સર્કલ સાત રસ્તા' (૧૯૫૯), 'ક્ષણાર્ધ' (૧૯૬૨), 'ક્ષત-વિક્ષત' (૧૯૬૮) એ એમના નવલિકાસંગ્રહો છે. બહુધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ બની રહે એ કક્ષાની છે. સંવાદોમાંથી અને વર્ણનકથનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.

નાટક

'હું અને મારી વહુ' (૧૯૪૯), 'રંગદા' (૧૯૫૧), 'વિષયવિમોચન' (૧૯૫૫), 'રક્તતિલક' (૧૯૫૬), 'શૂન્યશેષ' (૧૯૫૭), 'રામલો રોબિહનહૂડ' (૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. કેન્દ્રસ્થ ભાવને હળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટ્યકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમના નાટકોમાંથી પ્રગટ થયાં છે; એ રીતે તેઓ નાટ્યતત્ત્વજ્ઞ નાટ્યકાર ઠરે છે.

કાવ્ય સંગ્રહો

'સૉનેટ' (૧૯૫૯) એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે.

સંપાદન

એમનાં સંપાદનોમાં 'મડિયાની હાસ્યકથાઓ', 'મડિયાની ગ્રામકથાઓ', 'મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ', 'શ્રેષ્ઠ એકાંકીઓ', 'નટીશૂન્ય નાટકો', 'નાટ્યમંજરી' અને 'ઉત્તમ એકાંકી' જેવાં સંપાદનનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. 'શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ' અને 'કાળજાં કોરાણાં' એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓની અનુવાદોના સંગ્રહો છે; તો 'આંતરરાષ્ટ્રીય એકાંકીઓ' અને 'કામણગારો કર્નલ' એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.

અન્ય

'ગાંધીજીના ગુરુઓ' (૧૯૫૩)માં ગાંધીજીએ જેમને ગુરુ માનેલા તે શ્રીમદ્ રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, તોલ્સ્તોય ને રસ્કિન એ ચારનાં ચરિત્રો આલેખાયાં છે. 'વિદ્યાપ્રેમી ફાર્બસ' પણ એમની ચરિત્રપુસ્તિકા છે. 'ચોપાટીના બાંકડેથી' (૧૯૫૯) એ એમનો હળવી શૈલીના નિબંધોનો સંગ્રહ છે; તો 'જયગિરનારી' (૧૯૪૮) એમનું પ્રવાસની વિગતો આલેખતું પુસ્તક છે. 'વાર્તાવિમર્શ' (૧૯૬૧), 'ગ્રંથગરિમા' (૧૯૬૧), 'શાહમૃગ અને સુવર્ણમૃગ' (૧૯૬૬) અને 'કથાલોક' (૧૯૬૮) એ એમના, કથાસાહિત્યની સૈદ્ધાંતિક વિચારણા અને વ્યાવહારિક વિવેચનના ગ્રંથો છે. એમાંથી ખાસ કરીને નવલકથા-નવલિકા વિશેના લેખોમાંથી એમના એ અંગેના પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસનો પરિચય થાય છે. 'નાટક ભજવતાં પહેલાં' (૧૯૫૭), 'ગુજરાતી સાહિત્યમાં ડોકિયું' (૧૯૬૩) એમની પરિચયપુસ્તિકાઓ છે.

પુરસ્કાર

૧૯૫૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. 


સંદર્ભ : વિકિપીડિયા

No comments:

Post a Comment

if you have any doubts please let me know