Sunday, June 13, 2021

મોઢેરાનું સૂર્યમંદિર - Sun Temple Modhera

સૂર્યમંદિર

● સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે.


સ્થાન : મોઢેરા સૂર્ય મંદિર પાટણથી ૩૦ કિમી, મહેસાણાથી ૨૫ કિમી અને અમદાવાદથી ૧૦૬ કિમીના અંતરે પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે.

ઇતિહાસ : આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬-૧૦૨૭માં (વિક્રમ સંવત ૧૦૮૩) કર્યું હતું. તે ૨૩.૬° અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે. આ સ્થાન પહેલાં સીતાની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.

સ્થાપત્ય : મંદિરનું સ્થાપત્ય મરુગુર્જર શૈલીમાં છે અને ત્રણ અક્ષીય બાંધકામો ધરાવે છે : ગર્ભગૃહ (ગભારો) કે જે ગૂઢમંડપ (હૉલ)માં છે, બાહ્ય હૉલ કે જે સભામંડપ કે રંગમંડપ તરીકે ઓળખાય છે, અને પવિત્ર કુંડ. સભામંડપનું બાંધકામ ગૂઢમંડપની સાતત્યમાં નથી પણ થોડું દૂર એક અલગ બાંધકામ તરીકે છે. બંને બાંધકામો ઉંચા ચબૂતરા પર બંધાયેલ છે. તેમનાં શિખરો, ઉપરની છતને બાદ કરતાં, ઘણાં વર્ષો પહેલાં ભાંગી પડેલાં છે. બંનેની છતોનો વ્યાસ ૧૫ ફૂટ ૯ ઇંચ જ છે પણ તે સંપૂર્ણ અલગ અલગ રીતે બંધાયેલી છે.

ગૂઢમંડપ : ગૂઢમંડપ ૫૧ ફૂટ ૯ ઇંચ બાય ૨૫ ફૂટ ૮ ઇંચનું માપ ધરાવે છે અને તે સમાન રીતે બે ભાગ હૉલ અને ગર્ભગૃહમાં વિભાજીત થયેલું છે. બંને લંબચોરસ પ્લાનના છે. ગર્ભગૃહ અંદરથી ૧૧ ફૂટનો ચોરસ છે અને તેની બહારની દિવાલ તથા ગૂઢમંડપની અંદરની દિવાલ વડે પ્રદક્ષિણામાર્ગનું નિર્માણ થાય છે. શિખર અત્યારે અસ્તિત્વમાં નથી અને ગભારાનું નિર્માણ એ રીતે થયું છે કે સૂર્ય સંપાત (એ દિવસ કે જ્યારે દિવસ અને રાત બંને સરખા હોય) વખતે તે સૂર્યના પ્રથમ કિરણો સૂર્યની પ્રતિમા પર પડે; અને દક્ષિણાયણ (વર્ષનો લાંબામાં લાંબો દિવસ) વખતે ભરબપોરે સૂર્ય બરાબર માથા પર હોય અને ગૂઢમંડપનો કોઈ પડછાયો જમીન પર ન પડે.


સભામંડપ : સભામંડપ કે રંગમંડપ ચતુષ્કોણીય બાંધકામ ધરાવે છે કે જેમાં દરેક વિકર્ણના બિંદુ પરથી પ્રવેશદ્વાર પણ આપેલો છે. સભામંડપમાં કુલ ૫૨ કંડારેલા સ્તંભો છે.

કુંડ : પવિત્ર કુંડ, કે જેને રામકુંડ અથવા સૂર્યકુંડ પણ કહેવાય છે, તે લંબચોરસીય છે. તેનું માપ ઉત્તરથી દક્ષિણ દિશામાં ૧૭૬ ફૂટનું અને પૂર્વથી પશ્ચિમમાં ૧૨૦ ફૂટનું છે. તેની પર ઘણી બધી દેરીઓ આવેલી છે અને પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે. અહીંના બે સ્તંભો સૂચવે છે કે કોઈક સમયે કિર્તીતોરણ પણ હતું.

મોઢેરા નૃત્ય મહોત્સવ : કથક નૃત્યાંગના નમ્રતા રાય, મોઢેરા નૃત્ય મહોત્સવ ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે ૩ દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે. આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો તેવી રીતે પ્રદર્શિત કરવાનો છે, જે રીતે તે વાસ્તવિકતાથી રજૂ થતાં હતાં.

No comments:

Post a Comment

if you have any doubts please let me know